કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી 2027 માટે રૂ. 11,718.24 કરોડના ખર્ચને મંજૂરી આપી. વસ્તી ગણતરી 2027 દ્વારા દેશની નીતિઓ, વિકાસ યોજનાઓ અને લોકસાંખ્યિક માહિતીમાં મોટો ફેરફાર આવશે. તમામ મુખ્ય મુદ્દાઓ અહીં જાણો.
ભારતની વસ્તી ગણતરી 2027 ને કેન્દ્રીય કેબિનેટ મંજુરી, રૂ. 11,718.24 કરોડનો ખર્ચ મંજૂર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. દેશમાં વસ્તી ગણતરી 2027નું આયોજન કરવાની મંજૂરી કેબિનેટે આપી છે અને તેના માટે કુલ રૂ. 11,718.24 કરોડના બજેટને મંજૂરી આપી છે. આ નિર્ણય આવતા વર્ષોમાં દેશની નીતિઓ, વિકાસ યોજનાઓ, કલ્યાણકારી કાર્યક્રમો અને સંસાધનોના વિતરણ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
વસ્તી ગણતરી 2027 શું છે?
ભારત દરેક દસ વર્ષે રાષ્ટ્રીય વસ્તી ગણતરી કરે છે. છેલ્લી ગણતરી 2011ની છે, જ્યારે 2021માં યોજાનારી ગણતરી કોવિડ-19 મહામારીને કારણે મુલતવી રાખવી પડી હતી. હવે કેન્દ્ર સરકારે 2027માં નવી વસ્તી ગણતરી કરવાનો નિર્ણય કર્યો છે, જે ડિજિટલ રીતે પણ કરવામાં આવશે.
આ નિર્ણય કેમ મહત્વનો?
- જનગણના ભારતનું સૌથી મોટું લોકસાંખ્યિક સર્વેક્ષણ છે.
- સરકારને વાસ્તવિક જનસંખ્યા, રોજગાર, શિક્ષણ, આરોગ્ય, આવાસ તથા અન્ય સામાજિક-આર્થિક માહિતી જાણવા મળે છે.
- રાજ્ય અને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓ, સબસિડી, ગ્રાન્ટ અને બજેટ ફાળવણી જનગણના આધારે થાય છે.
- ડિજિટલ પદ્ધતિથી ગણતરી થવાથી ડેટાની ચોકસાઈ અને ઝડપ બંને વધશે.
2027 ની વસ્તી ગણતરીના મુખ્ય મુદ્દા
- કુલ ખર્ચ: ₹11,718.24 કરોડ
- પ્રક્રિયા વધુ ટેકનોલોજી આધારિત થશે
- મોબાઇલ એપ, ઓનલાઈન ડેટા એન્ટ્રી અને ડિજિટલ ઇકોસિસ્ટમનો ઉપયોગ
- ડેટાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે નવી રીતો અપનાવવામાં આવશે
આ પણ ખાસ વાંચો:
ભારત માટે આ ગણતરી કેમ જરૂરી બની?
2011 બાદ દેશની વસ્તી, શહેરોમાં સ્થળાંતર, ગ્રામ્ય વિસ્તારમાં બદલાવ, યુવા વસ્તીનો વધતો ભાગ, આર્થિક પ્રવૃત્તિઓ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં થયેલા સુધારાઓ વિશે વિશ્વસનીય ડેટા હાલ ઉપલબ્ધ નથી. 2027ની વસ્તી ગણતરી દેશને ફરી એકવાર તાજા આંકડા આપશે, જેના આધારે આગામી 10 વર્ષનો વિકાસ મોડેલ તૈયાર થશે.
કેબિનેટના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે સરકાર દેશની વાસ્તવિક લોકસાંખ્યિક સ્થિતિ જાણી આગળની નીતિઓ વધુ મજબૂત બનાવવાનું આયોજન કરી રહી છે. વસ્તી ગણતરી 2027 માત્ર આંકડાનું સર્વેક્ષણ નથી, પરંતુ દેશના સામાજિક અને આર્થિક ભવિષ્યનું બ્લૂપ્રિન્ટ છે.
વસતી ગણતરી બે તબક્કામાં પૂર્ણ થશે
કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 2027ની વસતી ગણતરી દેશની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ ગણતરી હશે અને તેની ડિઝાઇન ડેટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરાશે.
- પ્રથમ તબક્કો: 1 એપ્રિલથી સપ્ટેમ્બર 2026 વચ્ચે હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ થશે.
- બીજો તબક્કો: ફેબ્રુઆરી 2027માં વાસ્તવિક વસતી ગણતરી થશે.
મંત્રીએ જણાવ્યું કે આ વખતે ડેટા એકત્રિત કરવા માટે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે, જે હિન્દી, અંગ્રેજી સહિત અનેક પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે. આ પગલાથી ગણતરી વધુ ઝડપી, ચોકસાઈભરી અને ટેકનોલોજી આધારિત બનશે.
