Ahmedabad Accident News: વૈષ્ણોદેવી સર્કલ પાસે વહેલી સવારે ફોર્ચ્યુનર કાર ડિવાઇડર કૂદી એસટી બસ સાથે અથડાઈ. ગંભીર અકસ્માતમાં યુવકનું મોત, ટ્રાફિકજામ સર્જાયો.
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે ફોર્ચ્યુનર ડિવાઇડર કૂદી એસટી બસ સાથે અથડાઈ, યુવકનું મોત
Ahmedabad Accident News: અમદાવાદમાં આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. વૈષ્ણોદેવી સર્કલ નજીક પૂરપાટ ઝડપે દોડતી ફોર્ચ્યુનર કાર અચાનક ડિવાઇડર કૂદી સામેમાંથી આવતી એસટી બસ સાથે જોરદાર રીતે અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત વહેલી સવારના સમયે થયો હતો. સરખેજ તરફથી ગાંધીનગર જઈ રહેલી ફોર્ચ્યુનર કારના ચાલકે વૈષ્ણોદેવી બ્રિજ પાસે આગળ જઈ રહેલી એક સફેદ રંગની કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાતા ફોર્ચ્યુનર કાર પહેલા રોડના ડિવાઇડર સાથે અથડાઈ અને ત્યારબાદ સીધી સામેમાંથી આવી રહેલી હિંમતનગર–રાજકોટ રૂટની એસટી બસ સાથે ધડાકાભેર ટકરાઈ ગઈ હતી.
Ahmedabad Accident News
અકસ્માત બાદ ફોર્ચ્યુનર કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો. ટકરાવની તીવ્રતા એટલી હતી કે ફોર્ચ્યુનર કાર ડિવાઇડર ચડીને સામેના રોડ પર પહોંચી ગઈ હતી. આ દરમિયાન ફોર્ચ્યુનર પાછળ આવી રહેલી એક બ્રેઝા કારને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ ખાસ વાંચો:
- Gold Price Today: સોનાના ભાવમાં તોતિંગ ઉછાળો, અમદાવાદથી મુંબઈ સુધી આજના તાજા દર
- ચાર ધામ યાત્રા 2026: રિલ્સ અને વ્લોગિંગ બંધ! હવે મંદિર પરિસરમાં મોબાઈલ ફોન પર સંપૂર્ણ પ્રતિબંધ
આ ગંભીર અકસ્માતમાં ગાંધીનગરના જાણીતા વકીલ આઈ.બી. વાઘેલાના પુત્ર ધવલ વાઘેલાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ફોર્ચ્યુનર કારમાં સવાર અન્ય એક યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઉપરાંત અફસાનાબાનુ સમેરભાઈ ખલીફા (ઉંમર 23) અને રસુલભાઈ બાબુભાઈ આઝમ (ઉંમર 32) પણ અકસ્માતમાં ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે અને તેમની સારવાર ચાલી રહી છે.
અકસ્માતને કારણે મુખ્ય હાઈવે પર અડધો રસ્તો બંધ થઈ જતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. લાંબો ટ્રાફિકજામ સર્જાતા વહેલી સવારમાં મુસાફરી કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર પોલીસ અને ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ફોર્ચ્યુનર કારને રોડ પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પુનઃ શરૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે.
